ધાર્મિક એકતા માટે બાંગ્લાદેશના પ્રમુખની અપીલ

ધાર્મિક એકતા માટે બાંગ્લાદેશના પ્રમુખની અપીલ

ધાર્મિક એકતા માટે બાંગ્લાદેશના પ્રમુખની અપીલ

Blog Article

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી હિન્દુઓ પર હુમલા થયા હતા. તાજેતરમાં સમાપ્ત થયેલા દુર્ગા પૂજા ઉત્સવો દરમિયાન કટ્ટરવાદી તત્વોએ ઘણા જગ્યાએ દુર્ગા પૂજાના મંડાલ પર હુમલા કર્યા હતા. આ પછી બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને રવિવારે તમામ ધર્મોના લોકોને બાંગ્લાદેશની પ્રગતિ માટે સાથે મળીને કામ કરવાનો અનુરોધ કર્યો હતો.

રવિવારે દેશભરના જળાશયોમાં દેવી દુર્ગાની મૂર્તિઓના વિસર્જન સાથે દુર્ગા પૂજા ઉત્સવનું સમાપન થયું હતું. ઢાકામાં, હજારો ભક્તો બુરીગંગા નદીના કિનારે એકઠા થયા હતાં. અહીં વિસર્જન માટે મંદિરો અને વિવિધ જગ્યાએથી શણગારેલી ટ્રકોમાં મૂર્તિઓ લાવવામાં આવી હતી.

પોલીસે શોભાયાત્રા અને મૂર્તિ વિસર્જન માટે સુરક્ષાના વ્યાપક પગલાં લીધા હતા. શોભાયાત્રાના રૂટ પર ત્રણ કંટ્રોલ રૂમની સ્થાપના કરાઈ હતી અને ત્રણ વોચટાવર સ્થાપિત કરાયાં હતાં. સુરક્ષા માટે ડોગ સ્કોડ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ક્રાઈમ સીન ટીમ અને SWAT ટીમ તૈનાત કરાઈ હતી. પાંચ દિવસીય હિંદુ ધાર્મિક ઉત્સવની શરૂઆત બુધવારે દેવી દુર્ગાના આહ્વાન સાથે થઈ હતી, જેને મહા ષષ્ઠી કહેવાય છે.

દેશને પ્રગતિના પંથે લઇ જવા માટે સામૂહિક પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રમુખે કહ્યું હતું કે ધાર્મિક મૂલ્યોનો ઉપયોગ રાષ્ટ્રના કલ્યાણ માટે થવો જોઈએ. દુર્ગા પૂજાની ઉજવણી નિમિત્તે બંગભવન ખાતે એક કાર્યક્રમ દરમિયાન શહાબુદ્દીને તમામ નાગરિકોને, જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના, એક વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે એક થઈને કામ કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણા બધા બાંગ્લાદેશી છીએ, એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણા દેશમાં બહુમતી અથવા લઘુમતી ભેદભાવ માટે કોઈ સ્થાન નથી. તેમણે હિન્દુ સમુદાયના સભ્યો શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

તેમણે જણાવ્યું હતું કે બદલાતા સંજોગોમાં બાંગ્લાદેશને એક વિકસિત, સમૃદ્ધ અને ભેદભાવ રહિત દેશ બનાવવા માટે સંપૂર્ણ સહનશીલતા, પરસ્પર વિશ્વાસ અને સહકારનો બીજો કોઈ વિકલ્પ નથી. બંગાળી પરંપરાઓ અને સંસ્કૃતિ દુર્ગા પૂજા સાથે જોડાયેલવી છે. તે માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ એક સામાજિક તહેવાર છે. તમામની સામૂહિક ભાગીદારીથી આ તહેવાર સાર્વત્રિક બન્યો છે.

Report this page